Saturday, July 2, 2011

how to become a poet and win awards


સૌ પ્રથમ તો છેલ્લા પાટલે બેસી જાઓ
ને કવિ બનવાની અસહ્ય હળવાશ જાહેર કરો

બે ચાર ખાદીના ઝભલા સીવડાવી દો
ને સાથે દાઢી અછંદાસ રાખી દો

મ્યુનીસીપાલીટી કુતરા પકડે
બસ એમજ સંવેદન પકડી લો

પછી બિલોરી કાચની મદદ થી
સંવેદન થાય એટલુ મોટું કરો

ને એને શબ્દોના વાઘા પહેરવો
ટૂંકમાં અંગુઠા પરથી રાવણ ચીતરો

આખો પદાર્થ તૈયાર થાય એટલે એને
લય ને છંદની બકનળીમાં ઉકાળો

વરાળ થઈ ગયેલા સંવેદન ને ઠારો
પછી એને કાગળ પર ઉતારો

આખી ચીજ ખાતરીના મિત્રો વચ્ચે વાંચો
ને ખાતરીની દાદ પામો

હવે કોઈ રેશમી ઝભલા વાળા મોટા કવિને સાધો
ને નર્મદની જેમ જાહેર કરો હું તારે ખોળે છઉં

હવે વાળ લાંબા રાખો ને દાઢી ટ્રીમ રાખો
ને પચ્ચીસ રૂપિયાના પુરસ્કાર સાથે કવિતા છપાવો

શીખી જાઓ પછી તરત રાગ સરકારી
ને બાંધી લ્યો કોઈ પણ બાવાના નામની કંઠી

ને ફરી કરી આવો ટુર ફોરેનની
ને જાગ્રત કરો અસ્મિતા અબુધ એન.આર.આઈઓની

કાયમી થઈ જાઓ કોઈ કોઈ સમિતિ કે કમિટીમાં
હવે વાળ સફેદ રાખો ને સાથે રેશમી ઝભલું સીવડાવો

આકાશમાંથી સ્કાઈ- લેબ જેમ ધરતી પર પડે
એમ હવે ક્યારે પણ મળી શકે છે પુરસ્કાર તમને

બોલશે બે ચાર સારા વચનો આપના વિષે
અને અર્પણ થશે ભર ઉનાળે એક શાલ તમોને

જીંદગી આખીનો સંઘર્ષ છેવટે રંગ લાવશે
વચ્ચે વચ્ચે કદાચ એકાદ સારી કવિતા લખાઈ પણ જશે

2 comments:

Mehul Mangubahen said...

ye baat dear....

Ashleshaa said...

ha ha ha ha ha ha ha ha ha ha ha ha
ekdum original formula chey !