Saturday, July 2, 2011

how to become a poet and win awards


સૌ પ્રથમ તો છેલ્લા પાટલે બેસી જાઓ
ને કવિ બનવાની અસહ્ય હળવાશ જાહેર કરો

બે ચાર ખાદીના ઝભલા સીવડાવી દો
ને સાથે દાઢી અછંદાસ રાખી દો

મ્યુનીસીપાલીટી કુતરા પકડે
બસ એમજ સંવેદન પકડી લો

પછી બિલોરી કાચની મદદ થી
સંવેદન થાય એટલુ મોટું કરો

ને એને શબ્દોના વાઘા પહેરવો
ટૂંકમાં અંગુઠા પરથી રાવણ ચીતરો

આખો પદાર્થ તૈયાર થાય એટલે એને
લય ને છંદની બકનળીમાં ઉકાળો

વરાળ થઈ ગયેલા સંવેદન ને ઠારો
પછી એને કાગળ પર ઉતારો

આખી ચીજ ખાતરીના મિત્રો વચ્ચે વાંચો
ને ખાતરીની દાદ પામો

હવે કોઈ રેશમી ઝભલા વાળા મોટા કવિને સાધો
ને નર્મદની જેમ જાહેર કરો હું તારે ખોળે છઉં

હવે વાળ લાંબા રાખો ને દાઢી ટ્રીમ રાખો
ને પચ્ચીસ રૂપિયાના પુરસ્કાર સાથે કવિતા છપાવો

શીખી જાઓ પછી તરત રાગ સરકારી
ને બાંધી લ્યો કોઈ પણ બાવાના નામની કંઠી

ને ફરી કરી આવો ટુર ફોરેનની
ને જાગ્રત કરો અસ્મિતા અબુધ એન.આર.આઈઓની

કાયમી થઈ જાઓ કોઈ કોઈ સમિતિ કે કમિટીમાં
હવે વાળ સફેદ રાખો ને સાથે રેશમી ઝભલું સીવડાવો

આકાશમાંથી સ્કાઈ- લેબ જેમ ધરતી પર પડે
એમ હવે ક્યારે પણ મળી શકે છે પુરસ્કાર તમને

બોલશે બે ચાર સારા વચનો આપના વિષે
અને અર્પણ થશે ભર ઉનાળે એક શાલ તમોને

જીંદગી આખીનો સંઘર્ષ છેવટે રંગ લાવશે
વચ્ચે વચ્ચે કદાચ એકાદ સારી કવિતા લખાઈ પણ જશે

વૈજ્ઞાનિક 'આહા'


ગોળ પાણી-પૂરી ગેલેલિયોની સ્ટુડન્ટ
ભલ-ભલાનું મોં બંધ રાખતી આઈટમ

ને ત્રિકોણીયો પફ પ્રમય પાયથાગોરસનો
ત્રણે બાજુથી આરોગો સિધ્ધાંત ત્રિકોણમીતીનો

સમોસા નાના કે મોટા પ્રીઝમ ચમત્કારિક
ખાતા વેત રંગ પથારી દે પેટમાં સ્વાદિષ્ટ

ને દરેક પ્રયોગમાં જરૂરી એવું રસાયણ ચા
ભાગ-દોડમાં બસ એક જ વૈજ્ઞાનિક 'આહા
'

યાદો મગજમાં ગોઠવાય


સાંજ પડે ને યાદો મગજમાં ગોઠવાય,
કોચમેન અલી ડોસા ની જેમ રોજ આવી જાય.

સુર શરણાઈના હજુ પણ સંભળાય છે મને,
ફેફસાની ધમણ પર સુરની મહેફિલ દેખાય છે મને.

નહતી સગાઇ લોહીની મારી એની સાથે કોઈ,
છતાં વટલાઈ જવું પડ્યું નાતમાં દેવદાસની.

ને ઈચ્છાઓ લોભી મારી લાડુના જમણ જેવી,
ને વલણ એમનું હિસાબીયા લોજના મેનેજર જેવું

ત્રણ કલાકની મુસાફરી


આઠ રૂપિયાની અપર ને બે ની સિંગ ખારી
સાવ દસ રૂપિયામાં ખરીદાતી મઝા રૂપેરી
નિરંકુશ લાલાના હાથે અપમાનની ઘડી
ટીકીટ નામનું કાગળિયું જાણે કૃષ્ણની હુંડી
ટોર્ચ મારી બતાવે એ ખુરશી ફાટેલી
નોકરી એમની અંધારે આગિયા જેવી
એરકૂલ્ડ હોલમાં સુગંધ પાન-મસાલાની
લટકા-ઝટકા પર અપાતી દાદ સીટીની
લોવર, અપર, બાલ્કની ને બોક્ષની
ખોટા ઉદાહરણ જેવી વ્યવસ્થા પુરાણી
સાવ સરળ વ્યાખ્યા મનોરંજનની આપણી
વાસ્તવિકતાથી દુર ત્રણ કલાકની મુસાફરી

શું આપણી જેમ ત્યાં પણ કોઈ રહે છે ?


અડધી રાતે બાળકે પ્રશ્ન કર્યો બાપને ફૂટપાથે
આકાશે કેટલા બધા લાઈટના થાંભલા છે
શું આપણી જેમ ત્યાં પણ કોઈ રહે છે ?
તાકી રહ્યો થાકેલો બાપ ભોળા બાળક સામે

એક ફ્લેટમાં સ્કોચની ચૂસકી ને એક કવિ
તાકી રહ્યો છે, એકીટસે આજ આકાશે
તારાઓને જોઇને ટપકાવે છે કઈ ચોપડે
કદાચ એકલતા સરખાવે છે તારા સાથે

ધાબે પડ્યો છે મધ્યમવર્ગી ક્લાર્ક એક
ઊંઘે રોજ અગાશીએ ને લાઈટબીલ બચાવે
ગણે પગાર વધારો અડધીરાતે પડ્યો-પડ્યો
ને આખું આકાશ લાગે છઠ્ઠું પગાર પંચ એને

ઈચ્છાનું ગાંડીવ મરડી નાખું


ઈચ્છાનું ગાંડીવ મરડી નાખું
ઘેલછાની માછલી વીંધી નાખું
વિચારોની પવનચક્કીઓને તોડી નાખું
લાગણીના દરિયાને વલોવી નાખું
પ્રેમના નાક કાન કાપી નાખું
આંસુનો ગોવર્ધન પાંપણે ઊંચકી નાખું
કાળી રાતોનું દમન કરી નાખું
સ્વપ્ન નગરી સોનાની બાળી નાખું
યાદો ને કપટ થી હણી નાખું
માન્યતાઓની મટકી ફોડી નાખું
બહેરા સમાજના કાને ખીલા ઠોકી બેસાડું
કામ બાકી છે હજુ બહુ બધું
એ પહેલા
એક નાની કવિતા તો લખી નાખું.

ફરી રોશન કરી રહ્યા છે એ શહેરને


ફરી રોશન કરી રહ્યા છે એ શહેરને

કહી દો દીવડાઓને કે બીજે જઈને બળે

હતો બાદશાહ ને બાવાનો જલસો

કહી દો દંતકથાને કે નવું શહેર વસાવે

ઈમારતો ઉંચી ને માણસ નીચો

કહી દો ગાંધીને કે નવો આશ્રમ સ્થાપે

આળોટે શહેર હવે રીવર ફ્રન્ટે

કહી દો રેતીને કે નવું સરનામું શોધે

નદી જેવી નદી કેદ અહિ

કહી દો દરિયાને કે રાહ ના એની જુવે