Showing posts with label Ashish Vashi Poetry. Show all posts
Showing posts with label Ashish Vashi Poetry. Show all posts

Friday, April 27, 2012

હું છુ

સવારે સાવ ચોરપગે પાંદડા પર સરકતા ઝાકળમાં
ભર બપોરે સુરજ સામે ઝીંક ઝીલતા મજુરના પરસેવામાં
મગરને પણ શરમાવે એવા પેલા દેવદાસના આંસુમાં
હું છુ
પગારપંચની રાહ જોતા ક્લાર્કના ટેબલ નીચે લેવાતી લાંચમાં
કોલેજના કરોળિયા જામેલા પુસ્તકાલયમાં, અધ્યાપકોના મગજમાં
સરકારી હોસ્પિટલમાં બિંદાસ થઈને રખડતી લાશમાં
હું છુ
બદનામ ગલીઓમાં શરીર વેચતા દલાલની આંખમાં
જાહેર શૌચાલયમાં લાગેલી પેલા ઊંટવૈદ્યની જાહેરખબરોમાં
ટી.આર.પી ધરાવતી ટી.વી ની નાગાઈઓમાં
હું છુ
શટલ રિક્ષામાં ગુંગળાતા પેલા ઘેટા બકરામાં
ટીફીનમાં ભરેલી ભાખરી અને શાકમાં
એ.સી કારમાં બેઠેલી પેલી ફાંદમાં, હદ બહારના એ નિતંબોમાં
હું છુ
હકડેઠઠ ભરેલા સિનેમા હોલમાં વાગતી સિટીઓમાં
વિદ્યા બાલનની કમરે ખણતા ચુંટલામાં
કે પછી સની દેઓલના ઢાઈ કિલોના મુક્કામાં
હું છુ
પેલી પનીહારીઓના પગના છાલામાં
દરેક નામ પાછળ લખાતા અટક-ચાળામાં
બહુમતીની દાનતનું પ્રતિક એવા નેતાના ધોતિયમાં
હું છુ
ગામના પાદરે આવેલા પાળિયામાં
કોઈ આંબા તળે ઢળેલાં છિનાળ ખાટલામાં
જ્ઞાતિ-ધરમ આધારિત ફળિયામાં
હું છુ
ચીમની જેમ ચાલતી શ્રમજીવીની બીડીમાં
બોખા ડોસાની ચોર ખીસા વાળી ગંજીમાં
અડધી ચા સાથે જીવતી આખી જીંદગીમાં
હું છુ હું છુ હું છુ

Saturday, July 2, 2011

how to become a poet and win awards


સૌ પ્રથમ તો છેલ્લા પાટલે બેસી જાઓ
ને કવિ બનવાની અસહ્ય હળવાશ જાહેર કરો

બે ચાર ખાદીના ઝભલા સીવડાવી દો
ને સાથે દાઢી અછંદાસ રાખી દો

મ્યુનીસીપાલીટી કુતરા પકડે
બસ એમજ સંવેદન પકડી લો

પછી બિલોરી કાચની મદદ થી
સંવેદન થાય એટલુ મોટું કરો

ને એને શબ્દોના વાઘા પહેરવો
ટૂંકમાં અંગુઠા પરથી રાવણ ચીતરો

આખો પદાર્થ તૈયાર થાય એટલે એને
લય ને છંદની બકનળીમાં ઉકાળો

વરાળ થઈ ગયેલા સંવેદન ને ઠારો
પછી એને કાગળ પર ઉતારો

આખી ચીજ ખાતરીના મિત્રો વચ્ચે વાંચો
ને ખાતરીની દાદ પામો

હવે કોઈ રેશમી ઝભલા વાળા મોટા કવિને સાધો
ને નર્મદની જેમ જાહેર કરો હું તારે ખોળે છઉં

હવે વાળ લાંબા રાખો ને દાઢી ટ્રીમ રાખો
ને પચ્ચીસ રૂપિયાના પુરસ્કાર સાથે કવિતા છપાવો

શીખી જાઓ પછી તરત રાગ સરકારી
ને બાંધી લ્યો કોઈ પણ બાવાના નામની કંઠી

ને ફરી કરી આવો ટુર ફોરેનની
ને જાગ્રત કરો અસ્મિતા અબુધ એન.આર.આઈઓની

કાયમી થઈ જાઓ કોઈ કોઈ સમિતિ કે કમિટીમાં
હવે વાળ સફેદ રાખો ને સાથે રેશમી ઝભલું સીવડાવો

આકાશમાંથી સ્કાઈ- લેબ જેમ ધરતી પર પડે
એમ હવે ક્યારે પણ મળી શકે છે પુરસ્કાર તમને

બોલશે બે ચાર સારા વચનો આપના વિષે
અને અર્પણ થશે ભર ઉનાળે એક શાલ તમોને

જીંદગી આખીનો સંઘર્ષ છેવટે રંગ લાવશે
વચ્ચે વચ્ચે કદાચ એકાદ સારી કવિતા લખાઈ પણ જશે

વૈજ્ઞાનિક 'આહા'


ગોળ પાણી-પૂરી ગેલેલિયોની સ્ટુડન્ટ
ભલ-ભલાનું મોં બંધ રાખતી આઈટમ

ને ત્રિકોણીયો પફ પ્રમય પાયથાગોરસનો
ત્રણે બાજુથી આરોગો સિધ્ધાંત ત્રિકોણમીતીનો

સમોસા નાના કે મોટા પ્રીઝમ ચમત્કારિક
ખાતા વેત રંગ પથારી દે પેટમાં સ્વાદિષ્ટ

ને દરેક પ્રયોગમાં જરૂરી એવું રસાયણ ચા
ભાગ-દોડમાં બસ એક જ વૈજ્ઞાનિક 'આહા
'

યાદો મગજમાં ગોઠવાય


સાંજ પડે ને યાદો મગજમાં ગોઠવાય,
કોચમેન અલી ડોસા ની જેમ રોજ આવી જાય.

સુર શરણાઈના હજુ પણ સંભળાય છે મને,
ફેફસાની ધમણ પર સુરની મહેફિલ દેખાય છે મને.

નહતી સગાઇ લોહીની મારી એની સાથે કોઈ,
છતાં વટલાઈ જવું પડ્યું નાતમાં દેવદાસની.

ને ઈચ્છાઓ લોભી મારી લાડુના જમણ જેવી,
ને વલણ એમનું હિસાબીયા લોજના મેનેજર જેવું

શું આપણી જેમ ત્યાં પણ કોઈ રહે છે ?


અડધી રાતે બાળકે પ્રશ્ન કર્યો બાપને ફૂટપાથે
આકાશે કેટલા બધા લાઈટના થાંભલા છે
શું આપણી જેમ ત્યાં પણ કોઈ રહે છે ?
તાકી રહ્યો થાકેલો બાપ ભોળા બાળક સામે

એક ફ્લેટમાં સ્કોચની ચૂસકી ને એક કવિ
તાકી રહ્યો છે, એકીટસે આજ આકાશે
તારાઓને જોઇને ટપકાવે છે કઈ ચોપડે
કદાચ એકલતા સરખાવે છે તારા સાથે

ધાબે પડ્યો છે મધ્યમવર્ગી ક્લાર્ક એક
ઊંઘે રોજ અગાશીએ ને લાઈટબીલ બચાવે
ગણે પગાર વધારો અડધીરાતે પડ્યો-પડ્યો
ને આખું આકાશ લાગે છઠ્ઠું પગાર પંચ એને